please click below ads


આપણા ગુજરાતી પરિવાર ના પેજ ને જરૂર લાઇક કરો

નોટબુકનું પત્તું


રેલવે જંકશન ભાવનગરથી ' લોકલ ' રેલગાડી સુ:નગર જવા હડી કાઢી . સવારના પાંચનું ભળભાખળું થઈ ગયું'તું

શિયાળાની ઠંડીએ ભાવેણાને ગોદડીમાં લપેટી દીધું હતું . ક્યાંક ક્યાંક તાપણા સળગતા હતાં . કદાચ ભાવેણાના કેટલાંક વાસીઓ એમની લાચારીને સળગાવી તાપવાનાઓ પ્રયત્ન કરતા હતા . આજુબાજુ નાં લોકો રેલનાં હોર્ન વાગવા છતાં હજી મીઠી નીંદરમાં હતા . શ્રમની સાદડીમાં સુતેલા હતા ..કદાચ ? પ્લેટફોર્મ પર ઉભરાતી કેટલીક કીડીયારું ને ડબ્બામાં બેસાડી રોજની કોઈ મંજિલ હોવા છતાં ગાડી બીજાને મંજિલ સુધી પોહચાડવા નીકળી પડી . હજી તો રાત્રીએ હવા ને ચોખ્ખી કરી હતી ત્યાં એની મેહનત પર પાણી ફેરવતી રેલગાડી પાવો વગાડ્યો અને વળી દિવસની શરૂઆત ' દી ' ઉગ્યા પેલા કરી દીધી .

      હજી તો વેગમાં આવી હતી ત્યાં ભાવનગર નું પરું આવી ગયું . ભાવનગર નો પરા વિસ્તાર ! ગામમાં જેમ પરું હોય તેમ ભાવનગરમાય પરું છે. આખું ભાવનગર જેનાં થકી ઉભું છે મજૂર વર્ગનો વિસ્તાર . અહીં કોઈ પાકા રસ્તા દેખાય નહીં , ગટર ગમે ત્યાંથી નીકળે ને ગમે ત્યાં સમાઈ પણ જાય . હીરા ઘસવાવાળા , ઉદ્યોગમાં આખો દી ભૂંગળા કોથળીમાં પેક કરવાવાળા , અને એવી કોઈ કોઈ કોઈનું પેકીંગ કરી જીવનનું ' પેકીંગ ' સાચવતાં લોકોનો વિસ્તાર ! આમેય શિખર કરતાં પાયો તો હંમેશા ' ગોબરો ' હોવાનો ને ?
       હજી સ્પીડ પકડે પહેલાં તો ગાડીએ બ્રેક મારી ! ચિચિયારીઓ કરતાં પૈડાં બિચારા થોભી ગયા . હવાર હવાર માં ટોળું આવી ગયું હતું . ગાડી હાલતી હતી ભાવનગર થી સુનગર !   એમ નથી કે રૂટ વચ્ચે બીજા કોઈ વાહન જતા નથી પણ આઠ વાગે જતી સાઈનાથ વાળા ધંધુકા હુધીનાં 60 ' મકરા ' પડાવી લે અને ઉભા ઉભા જાવાનું નોખું . સરકારી બસમાં જાવ ને તોય - આવે તો , રિપેરમાં હોય તો - ઈય મારા હાળા પસા રૂપિયાનો દાવ કરી જાય . પણ આય રેલગાડી 40 રૂપિયામાં તો ઠેઠ સુનગર હુધીનો ઉલળીયો કરી દયે . હારું બાજુના લગભગ જણ રેલમાં બથોડા લેતા જાય . પછી ભલે બારણે ટીંગાતું જવું પડે ! આખરે રૂપિયાનો ' સવાલ ' છે ભાઈ ! પસી ઘરે કંઈક તો આપવું ને ?
પરાએ ગાડી ઉભી રહી ત્યાંતો બારીમાં થેલાના ' ઘા ' થવા મનડયા . ક્યાંક થી રૂમાલ તો ક્યાંક તો નાના બાળકોને આગળ કરી દરવાજામાં આગળ ઉભા રહેવા થઠ જામી ગઈ . બારી પાસે બેઠેલાં એક ભાભા જોઈ રહ્યા છે . જીવના ' જીવતર ' ની ચોપડી વાંચી મોંઢા પર સળ ઉઠી આવી છે . ધોળું મેલું કેડિયું પેર્યું સે , સોયણામાં એક મણ ઘઉં હમાય જાય એમ જોળો લબડે છે , માથે ફાળિયું બાંધ્યું છે , હવારના પોરમાં ધ્યાનથી નજર કરો તોય ખબર પડે કે ફાળિયું ક્યાં રંગ છે ; કેમકે એના પર એટલી બધી વાર ' કારીગરી ' થઈ ગયેલી હતી .
    બારી પર બેઠા બેઠા ભીડની હો હા , મારી થેલી સે ...આંખ્યું ફૂટી ગઈ સે . આંધળીના ભાળતો નથ ના મધુર સ્વરો ડબામાં ગુંજી રહ્યા . ભીડ થી થોડે દુર એક સોકરો શાંતિથી ઉભો હતો . પેરણ ને પેન્ટ તો કોઈ સારા ઘરનો હોય એમ લાગતું હતું . બગલથેલો લઈ બધી જુગાડની રાસલીલા જોતો હતો . આખરે પ્લેટફોર્મ ની બધી કીડીયું ડબામાં પુરાઈ ગઈ તય સોકરો હળવેથી ડબામાં ચડ્યો .
   ' કા જવાન , કેમ નિરાંત લાગે સે , જવાની ? '
' હા , દાદા ! મારે તો ભય નિરાંત સે ! '
' તિમાં કે ને તારે , શાંતિથી ઉભોતો ...'
 ' હા , શાંતિ હોય તો શાંતિ થી ઉભું કે નય ! '
    ' ક્યાં જાવાનો ? '
   ' ગાડી જાય ત્યાં સુધી ? '
' હે , સુ ગાડી જાય ઇયા હુધી ? '
 ' હા ! '
' મારો , ખરો જણ હો ; ભય કેવુ પડે !'
 અને દાદા વધુ વાત લંબાવતા બારીનો કાચ બંદ કરી અંધારામાં દેખાતા ઓળા જોવામાં લાગી ગયા . ઘણીવાર કાઈ દેખાતું હોવા છતાં , જોવાનો આંનદ અનેરો હોય છે . હવે ઠંડી હવામાં ડબામાં થતાં અવાજ ધીમે ધીમે ફાટેલી , સંધેલી ચાંદરોમાં ધબૂરાઈ ગયા . ક્યાંક કામ બાજુમાં બેઠેલી બેનનાં દુપટ્ટા થી પણ થયું તો ક્યાંક આંખમાં આવેલા આંસુ સાથે ! કેમકે ઠંડી ઘણીવાર શરીર કરતા આંખમાં વધુ લાગતી હોય છે . ક્યાંક મોંઘા જેકેટમાં સજ્જ થયેલી કીડીઓ વાતુંએ ચડી હતી . બાકી ચિબાવલી વાતો સિવાય - કેમ પપ્પા આગળનાં સ્ટેશનેથી કોક લઈ આવજો , હા પપ્પા ! મને ખુબ તરસ લાગી છે ! ...હા , બેટા ! લઈ આવીશ હા ! અત્યારે તારી મમ્મી ને કહે કે થેલાના ખિસ્સામાંથી મને થોડી ખારી સિંગનું પેકેટ કાઢી આપે - ઠંડીએ બધાને પોતાની ગોદમાં લઈ લીધા હતા .
હવે ખટક ખટક નો અવાજ રસ્તાને ચીરતો જતો હતો . ભાભા હવે થોડા એક યરફ નમી ધીમે ધીમે ઘોરી રહ્યા હતા . સોકરો હજી બારણા માં શાંતિ થી ઉભો હતો . બાહર જતા રસ્તા અને ઝાડના પણસાયા જોઈ રહ્યો હતો .
  ધીમે ધીમે સૂરજનો ચેહરો બાહર નીકળ્યો . ઢસા વટી અને રેલગાડી દેખાણી . તો હતી પણ ...
 અને રોકાતી રોકાતી જતી આગળ વધી એમ એમ હવે કીડીયું વધતી ગઈ . બોટાદ ભણવા જતાં છોકરા છોકરીયું હવે વધવા મંડી હતી . પેલા ફાટેલી સાંધેલી ચાંદરોથી છલકાતો ડબો હવે સ્પાઇડર મેન , બેન ટેન અને જાત જાતના ભાત ભાતના થેલા તો સામે ભરતકામ ભરેલા , આભલા ના ચમકરાવાળા થેલા લઈ છોકરીયું ડબામાં છલકાતી જતી હતી . એક નવાઈ હતી કે જે ચાદર ફાટેલી સાંધેલી ઓઢી સુતા હતા એમની કમાણી થી થેલા ખરીદાયા હોવા છતાં બેય એકબીજા માટે અજાણ્યા હતા .
   હવે લગભગ બોટાદ આવવાને કલાક ની વાર હતી . સૌ મસ્તીમાં હતા . કોઈ જાણી જોઈ તો કોઈ જાણી ને ! પેલો સોકરો હવે અચાનક કોઈ કામ યાદ આવતા રઘવાયો થયો હોય એમ નીચે નમી થેલામાંથી એક દોરી કાઢી દોરીથી થેલા ને બારણા ના હુક સાથે બાંધી ધીમે ધીમે આગળ વધ્યો . દાદા જોઈ રહ્યા કે સોકરો આમ થેલો બાંધી જાય છે ક્યાં ?
    રીતે થેલો બાંધનારો દાદાએ પોતાની જિંદગીમાં નોહતો જોયો . હવે ધીમે થી જ્યાં ખભે થેલા ભરાવી સોકરાની ઠઠ લાગી હતી ત્યાં ગયો . અને ખૂબ વિનયપૂર્વક બધાની વચ્ચે જઈ બોલી પડ્યો . રીતે ....
  ' બાઈબન્ધ એક મિનિટ ! '
     આખું ટોળું એને જોઈ રહ્યું . હવે શું કહેશે ?
   ' જો તમને કાઈ વાંધો હોય તો તમે તમારી બુક માંથી એક એક કાગળ ફાડી આપશો ? '
     બધાં બાઘાની જેમ જોઈ રહ્યા . ઘડી ભર તો બધાં શુ વિચારવું ભૂલી ગયા ! શુ ? એમ કહેવાનું હોય પણ ભૂલી ગયા ! કારણ પ્રશ્ન એવો પુછાયો હતો !
    ' કવ છું તમે બધા બુકનું એક એક પત્તુ આપશો ? '
    હવે કંઈક ભાનમાં આવતા હોય એમ લાગ્યું . ચકળવકળ થતા ડોળા થોડા સ્થિર થયા . ' એક પત્તુ ? ! '
    ' કેમ ભય પત્તાનું શુ કરીશ ? '
     ' બોટાદ હું નવમું ભણું સુ . મારે વિષયોની નોટબુક બનાવવાની છે તો મારે એનું કામ છે . તમે પત્તુ આપશો તો એમાંથી હું સોય દોરાથી સાંધી બુક બનાવી લઈશ અને મારે ખર્ચ નય કરવો પડે ! '
     ' શું '
   હવે એમણે પ્રશ્ન પૂછ્યો..
    ' નોટ બનાવવા જોઈએ છે પત્તુ આપો ને ભય ! '
     અને એના આજીજી ભર્યા સાદ ને સાંભળી ટોળાએ થેલામાંથી ચોપડા કાઢી પત્તા આપવા માંડ્યા . હા , બાને ઘણાએ તો ખાસા સમય પછી ચોપડા કાઢયા તો ખરા ! ચોપડા ને પણ ઘણા સમય પસી બારની હવા ખાવા મળી .
    અને પત્તા ને સમેટી આગળ નીકળી ગયો .
   ' મારો બેટો , પત્તા ભેગા કરી પસ્તી માં વેચી યો નહિ દેતો હોય ને ? '
  પેલા સિંગવાળા ભાઈ બોલી ઉઠ્યા . કેમકે દ્રષ્ટિ ...ખામી વાળી તો ઈય શુ કરે ?
    અને સોકરો આગળ પણ ગયો.  સોકરીયું પાસેથી પણ પત્તા માંગ્યા . મળ્યા ભેગા કર્યા અને કામ એણે બોટાદ આવ્યું ત્યાં સુધી ચાલુ રાખ્યું . સવારનાં સાડા દસ થવા આવ્યા હતા . સોકરો બોટાદ ટેશને ઉતરી ગયો .
    જેમ શાંતિ થી આવ્યો એમ !
   હવે જાય છે ક્યાં જોવાં દાદા પણ ત્યાં ઉતરી ગયો . પેલા સોકરાની નજર પડે એમ એનો રસ્તો દબાવતા ચાલ્યા .
    સોકરો સ્ટેશને થી નીકળી પાળીયાદ રોડે ચડ્યો . રીક્ષા કરવાને બદલે ચાલતો રહ્યો . આખરે પાળીયાદ રોડ પર એક સંસ્થાના બોર્ડના દરવાજામાં વળી ગયો .
   દાદા પણ અંદર જતા રહ્યા .
   ઘણી મોટી સંસ્થા હતી . કદાચ પ્રાથના ચાલતી હતી . સોકરો આચાર્યની ઓફિસમાંથી નીકળી છેલ્લા રૂમમાં જતો રહ્યો .
  દાદા આચાર્યની ઓફિસમાં પોહનચી ગયા .
    ' નમસ્તે ! '
   ' આચાર્યએ ફાઈલમાં લખતા લખતા બોલ્યા , ' હા આવો વડીલ . બેસો .  '
   દાદા ખુરશી પર બેઠા અને આજુબાજુ જોવા લાગ્યા .
   ' હા , બોલો શુ કામ હતું ? '
    ' હું ભાવનગરથી આવું છું . એક સોકરો ભાવનગરથી ગાડીમાં બેઠો'તો . અને આખા રસ્તે બધા પહેથી કાગળિયા માંગતો આયો ને આય આવી ગયો . વાતમાં માલ સુ સે કઈ હમજાણુ નય સાયબ . મને કેસો ખરા કે સે સુ ? '
    ' ઓહ , તમે મેપાની વાત કરો છો ? '
    ' એના નામની તો ખબર નથ . નામ તો મારો રામ જાણે , પણ સોકરો જે કરી ને આયો સે અઘરું છે . માથામાં ધોળા થયા પણ આવું કોઇ દી જોયું નથી સાયબ ! '
   ' હા , મેપો છે.  આય ભણે છે . પેલેથી . હવે કોણ છે ઈતો મને પણ ખબર નથી પણ બે વરસ પેલા ઇના બાપા અહીં મૂકી ગયા છે ..પછી આવ્યા નથી તો અહીં રહી ભણે છે . ખૂબ હોશિયાર છે . દર વર્ષે વર્ગમાં પ્રથમ આવે છે . ઇના ઇનામ થી એની ફી ભરાઈ જાય છે . સંસ્થામાં જમવાનું દાતા તરફથી મળે છે . પણ ચોપડા અને બુક તો લેવી પડે ને ? એટલે એની આગળના વિદ્યાર્થી પાસેથી ચોપડી લઈ લે અને લખવા માટેની બુક રીતે ક્યારેક રેલગાડીમાં જઇ પત્તા લાવી એને સાંધી બુક બનાવી એમાં સૌથી સારી બુક બનાવે છે . '
   ' ઓહો ! , સુ વાત છે સાયબ . આવો સોકરો તો મેં જોયો નથી . '
      વાત કરતા કરતા દાદાએ જોયું કે આચાર્ય મોંઘા કપડાં પેરી બેઠા છે તો આવા સોકરાને એક બુક નય લઇ દેતા હોય ની શંકા સાથે ...બોલ્યા , ' લો , હાલો સાયબ . રજા લવ . પણ ...જતા જતા ઈની હારે વાત કરવી હોય તો હું કરી હકુ...સાયબ ? '
   કદાચ દાદાની મનની વાત સમજી ગયા હશે . એટલે મૂંછમાં હસતા બોલ્યા , ' હા , હા , કેમ નહીં ? '
  '  અહીંથી જમણી બાજુનો છેલ્લો વર્ગ છે . જાવ મળી લો . '
   અને દાદાએ ફાળિયું ફરી બાંધવા ઉતાર્યું અને કાનમાં સોનાનું છતર , કાનની વાળીઓ , કેડે કિલોનો કંદોરો હમો હમો કરી નીકળ્યા .
    એય મૂંછમાં હસ્તા !!!
    હજી વર્ગ આવે પહેલા મેપો સામો આવ્યો. 
   ' જુવાન . આય આય તો ! '
   સોકરો નવાઈ પામ્યો કે દાદા તો ....
   ' મેપા , તારા સાયબને મળી આયો સુ . મને બધીય ખબર પડી ગઈ સે . પણ આજ પસી તારે ગાડીમાં પત્તા ઉઘરાવવા નય જાવું પડે .. હો ભય....' કહી દાદાએ કેડીયાની અંદર સોર ખીસી માંથી હજાર હજારની દસ નોટુની કોળી કરી મેપા સામે ધરી .
   ' નો ખપે દાદા ! '
   દાદા આંચકો ખાઈ ગયા . હજારની નોટુ વાળો હાથ ' હાથ ' મા રહી ગયો . સોકરાની આંખોના તેજ આગળ કંઈક અખલદખળ થઈ ગયા .
 ' કા બેટા ? કેમ નય ? '
   ' હરામનું ખપે દાદા . અનાથ થયો છું ...બિચારો નહીં . હું મારા પગ પર ઉભો રહી ભણીશ અને પછી નિશાળમાં મારા જેવા સેંકડો ' મેપા ' ના જીવતર ઉજાળીશ ....'
  અને દાદાનો હાથ પાછો વળી ગયો .
   ' વાહ ભડ વાહ ! '
 દાદાએ એનાં વાંસામા ધબો મારી લીધો . સોકરો પણ દાદાને નમન કરી આગળ વધી ગયો .
   ની પાછળ પાછળ ભારતના ભવીને  અડીખમ ઉભું દાદા જોઈ રહ્યા . દાદાની આંખોનાં ખૂણામાં અચાનક આંસુનું મોટી સૂર્યના પ્રકાશમાં ઝળકી રહ્યું .
લેખક - શ્રી મહેશ ગોહિલ

No comments:

Post a Comment

એક તારનું મહાભારત - ' તમારી દીકરી લલિતા ને ત્યાં દીકરાનો જન્મ થયો સે ....! '

એક તારનું મહાભારત      પરોઢ થયું ને ગામડું ઊંઘમાંથી જાગી ગયું . શેરીઓમાં સાવરણા દોડવા લાગ્યા . ને પાણીની હેલું...